પૂજ્ય રમણ માડી

Hon. Raman Maadi

કૈયલ જેવું નાનકડું ગામ આજે એક પવિત્ર યાત્રાધામ બની ચૂક્યું છે. દર પૂનમે હજારો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થાની આરાધના કરવામાટે રાજ્ય અને દેશના ખૂણે ખૂણેથી અહી પધારે છે. શરદપૂનમના પાટોત્સવમાં દર વર્ષે અંદાજે ૬ થી ૭ હજાર શ્રદ્ધાળુઓ ભોજન અને ભજનનો લાભ લે છે. ૐ ભગવતી શ્રી મેલડી માતાજીની કૃપાથી આ બધું શક્ય બન્યું હોય તો પૂજ્ય રમણમાડીની સાચી શ્રદ્ધા અને સત્કાર્યો થકી. પ્રાત: સ્મરણીય, વચનસિદ્ધ અને વિશ્વ કલ્યાણક શ્રી રમણ માડીએ આ નાનકડા ગામને પવિત્ર યાત્રાધામમાં ફેરવી નાખ્યું.

આવા નાનકડા અને ટચુકડા કૈયલ ગામમાં વર્ષો પહેલા સ્વ .ગગનભાઈ રામજીભાઈ તથા સ્વ.ગંગાબાનો પરિવાર રહેતો હતો. ગરીબાઈ ઘેરી વળી હોવા છતાં પરોપકારની ભાવના તેમના લોહીના કણેકણમાં હતી. આખો પરિવાર ખેતરમાં તનતોડ કાળી મજૂરી કરીને માંડમાંડ જીવન નિર્વાહ ચલાવતો હતો. પણ આ સ્થિતિમાંયે જો કોઈ સાધુસંત ગામમાં પધારે તો તેમની બનતી સેવા કરવી એ જ તેમના જીવનનો મુખ્ય ધ્યેય હતો. સેવા પરમો ધર્મમાં માનતા આ પરિવારમાટે અજાણ્યા દીન દુખિયાની સેવા કરવી એ નિત્યક્રમ હતો.

આવા સરળ, સેવા ભાવી, પરોપકારી, ધાર્મિક અને સંસ્કારી માવતરના પેટે જન્મ થયો પૂજ્ય રમણ માડીનો, પરિવારમાં શાંતા બહેન, રેવા બહેન અને કમળા બહેન નામની ત્રણ દીકરીઓ ઉપરાંત ગીરીશભાઈ અને અમૃતભાઈ નામના દીકરાઓ તો હતા જ, જેમાં તા.૧-૬-૧૯૬૩ના શુભ અને પાવન દિવસે ત્રીજા દીકરાનો જન્મ થયો. જેમનું નામ માવતરે રમણ પાડ્યું. પરિવારના સંતાનો પણ માં- બાપની જેમ ધાર્મિક વૃતિવાળા અને સેવા કરીને પુણ્ય મેળવનારા હતા. તેમાં પણ નાનપણથી જ જનસેવા એ જ પ્રભુ સેવાની ભાવનાને જીવનમાં ઉતારીને સમય પસાર કરતા પ.પૂ. રમણમાડી માટે કઈ પણ કહેવું એટલે સૂરજને પ્રકાશ દેખાડવા બરાબર છે.  પરીવાના ફળિયામાં જ ૐ ભગવતી શ્રી મેલડી માતાજી અને મંદિરની સાફ સફાઈ કરવાનું કામ રમણભાઈ તદ્દન નાની ઉંમરથી જ કરતા આવ્યા છે. માતાના ઉદરમાં જ ધર્મ સેવા, પરોપકારના સદગુણો મેળવનાર રમણમાડીને અભ્યાસ કરતા પણ સેવા, ધાર્મિક કાર્યો અને સાધુ સંતો સાથે સત્સંગ કરવામાં વધુ આનંદ હતો. ફળિયામાં આવતા કોઈ પણ સાધુ સંત ને આવકારો આપવો, યથાશક્તિ તેમની સેવા કરવી અને તેમના રહેવા જમવાની વ્યવસ્થા પણ પોતાના ઘરે કરી સેવા કાર્યોના ઓડકાર ખાઈને દિવસ પૂરો કરતા હતા. નાનપણ થી જ માં મેલડીમાં અપાર શ્રધ્ધા અને અતુટ વિશ્વાસના કારણે તેઓ માં ની ભક્તિ માં સદાય હૈયું નીચોવી નાખતા હતા.

ૐ ભગવતી શ્રી મેલડીમાંનો સાક્ષાત્કાર

આજથી ઘણા વર્ષો પેહલા જયારે તેઓ તેમના ભાઈના ઘરે અમદાવાદના નારણપુરામાં રહેતા હતા ત્યારની આ વાત છે. ત્યાં એક સાઈકલ ચાલકે સતત ૭૨ કલ્લાક સાઈકલ ચલાવવાનોકાર્યક્રમ રાખેલો જેને જોવા આસપાસ માંથી અનેક લોકો આવતા હતા. પૂજ્ય રમણમાડી પણ આ કાર્યક્રમ જોવા મોટા ભાઈ ની બે દીકરીઓ ને લઈને ગયા હતા. ત્રણેય જણ આ ખેલ આનંદથી માણતા હતા ત્યારે અચાનક એક વૃદ્ધ ડોશીમા તેમની પાસે આવ્યા અને કહ્યું, બેટા, મારી આ શાલ તારી પાસે રાખ. હું થોડી વારમાં સામેના મંદિરે દર્શન કરીને પાછી આવું છું, પછી આ શાલ લઇ જઈશ. મારી આ શાલ સાચવીને રાખજે. ત્રણ ચાર કલાક પછી પણ એ માજી પરત ન આવતા ચિંતા થઇ અને શોધ કરી. અંતે સ્ટેજ ઉપરથી પણ જાહેરાત કરાવી કેઆ શાલ જેમની છે તે માજી આવીને પરત લઇ જાય, જેથી હું ઘરે જઈ શકું. પરંતુ આ શાલ લેવા કોઈ ન આવ્યું. પૂજ્ય રમણમાડી શાલ લઈને ઘરે જતા રહ્યા. બીજા દિવસે આ સમગ્ર ઘટના ની વાત બા અને ભાઈ ભાભીને કરી.

તે રાત્રે પૂજ્ય રમણમાડીને એક સ્વપન આવ્યું જેમાં સ્વયં માં ભગવતી શ્રી મેલડી માતાજી આવ્યા અને અત્યંત સ્નેહથી કહ્યું, “બેટા, ગઈ કાલે હું જ તને આ શાલ આપી ગઈ છું. જે તારા વડવાઓની ભક્તિથી પ્રસન્ન થઇ મારા પ્રસાદ સ્વરૂપે સાચવજે. આ શાલ થકી તારામાં દિવ્ય શક્તિનો સ્ત્રોત થશે. જેનો સદુપયોગ સમાજના દીન દુખીયાઓની નિસ્વાર્થ સેવા કરવામાં અને લોકોના કલ્યાણ અર્થે માનવજાતને ઉપયોગી થાય તેવા કાર્યો કરવામાં કરજે, એટલે આ શાલ માત્ર એક કપડાનો ટુકડો નથી. મારો તારા પ્રત્યે નો પ્રેમ છે. અને એ મારા આશીર્વાદ નો પરોક્ષ પુરાવો છે.”

તે દિવસથી જ પૂજ્ય રમણમાડી ના શરીર માં દિવ્ય શક્તિનું પ્રાગટ્ય થયું. તેમનામાં સેવા કરવાની અને પરોપકારના કાર્યો કરવાની તમન્ના તો હતી જ, પરંતુ આ ઘટના પછી સંપૂર્ણ માનવજાત માટે કઈક કરી છૂટવાની ભાવના પ્રબળ બની અને માં મેલડી ના આદેશને શિરોમાન્ય ગણીને લોક હિતના કાર્યો કરવા માટે તેમણે આજીવન ભેખ ધારણ કર્યો. આજે પણ લોક હિતનાકાર્યોનો એ ધોધ અવિરત પણે વહે છે. જેના અમી છાંટણામાં આપણે પણ ભીંજાવું જ રહ્યું.