ભારતના નકશામાં કદાચ ગમે તેવા બિલોરી કાચ કે માઈક્રોસ્કોપથી શોધવાનો પ્રયત્ન કરો તો પણ ન મળે તેવું એક નાનકડું અને આધુનિક જમાનામાં સાચુકલું ગામ એટલે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં કડી નગર પાસે આવેલું કૈયલ ગામ. અમદાવાદ શહેર થી લગભગ ૫૦ કિલોમીટર જેટલા અંતરે વસેલુ આ ગામ આધુનિક શહેરીકરણની અસરોથી હજુયે મુક્ત રહી શક્યું છે. શહેરીકરણના લીધે આવતા વણનોતર્યા દૂષણો જેવા કે પ્રદૂષણ, સામાજિક અસમાનતા, ભૌતિક સુવિધાઓ પ્રત્યેની મહત્વાકાંક્ષા, તૂટતી કુટુંબ અને સમાજ ભાવના વગેરે હજુયે છેટા છે. અહી વર્ષોથી તમામ વર્ણના લોકો આનંદ અને ભાઈચારાથી સાદું સુખી જીવન જીવે છે.
આ નાનકડા ગામની આગવી ઓળખ એટલે અહી આવેલું ૐ ભગવતી શ્રી મેલડી માતાજીનું મંદિર. ગામમાં પ્રવેશતા જ માતાજીનું સ્થાનક આવે જ્યાંદેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પોતાનું માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે.
હાલના મંદિર પરિસરમાં ૐ ભગવતી શ્રી મેલડી માતાજીનું મુખ્ય મંદિર, ૮૦૦-૧૦૦૦ માણસો બસીને જમી શકે, ભજન કરી શકે અને પૂજય માડીના પ્રવચનનો લાભ લઇ શકે તેવો શેડ, રસોડું, ગૌશાળા અને પૂજય માડીનું વિશ્રામ સ્થળ આવેલું છે જ્યાં સૌ શ્રદ્ધાળુઓ પરમ શાંતિનો અનુભવ કરે છે અને પોતાની જાતને સત્કર્મ તરફ વાળે છે.